જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી GJ-01-HK-7161 નંબરની એક કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આ કારમાં તેના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. કારમાં શોર્ટ સર્કિટ થતાં જ તેઓ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. કાર અગનગોળામાં ફેરવાઈ જતાં આસપાસના વાહનચાલકો થંભી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે તે પહેલાં જ કારને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી.

