ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસનો સીધો આક્ષેપ હતો કે સત્તાધારી પક્ષના ઈશારે ચોક્કસ સમાજ (લઘુમતી) કોંગ્રેસના કમિટમેન્ટ વોટરને ટાર્ગેટ કરી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે 16 જાન્યુઆરી પછી હજારોની સંખ્યામાં બોગસ ”ફોર્મ-૭” ભરાયા છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઈ ડાંગરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી નામ રદ કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે માંગ કરી હતી કે જે લોકોએ આ ફોર્મ જમા કરાવ્યા છે તેમની સીસીટીવી ફૂટેજ દ્વારા ખરાઈ કરાય અને ગેરરીતિ આચરનારાઓ સામે તપાસ થાય.
પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન જયદેવભાઈ વાળાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો મતદાર યાદીમાં સુધારો નહીં થાય, તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને ધરણા યોજવામાં આવશે
તેમણે મનરેગા યોજનાના શ્રમિકોના નામમાં પણ છેડછાડ કરી તેમની રોજીરોટી છીનવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. લલિત વસોયા દ્વારા લેખિત આવેદનપત્રમાં ”રજીસ્ટ્રેશન ઓફ ઈલેકટર્સ રૂલ્સ ૧૯૬૦”ના નિયમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપવામાં આવ્યો છે.
આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આધાર-પુરાવા વગર રજૂ થયેલા તમામ ”ફોર્મ-૭” રદ કરવામાં આવે. ખોટી વાંધા અરજી કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૧૨, ૨૧૬ અને ૨૧૭ તથા RP Act મુજબ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

