Gujarat

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ત્રણ વેપારીઓને કુલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર. ચૌહાણની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે આ તપાસ હાથ ધરી હતી. ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડ્યા હતા.

આ રેડ દરમિયાન મહેતા માર્કેટ સ્થિત જય સેલ્સ એજન્સી અને જય પ્લાસ્ટિકમાંથી કુલ 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. આ ઉપરાંત, ગણેશ ટ્રેડર્સમાંથી પણ 400 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો હતો. આ ત્રણેય વેપારીઓ પાસેથી મહાનગરપાલિકાએ કુલ 50,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.