પાટડી તાલુકાના માલવણ હાઈવેની એક હોટલ પાર્કિંગમાંથી ટ્રકમાંથી 33,816 બોટલ અને રૂ. 1.68 કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર પકડાયો હતો. જેમાં ગાંધીનગર એસએમસીએ દરોડો પાડી વિદેશી દારૂ, મોબાઈલ, કવરિંગ પ્લાયબોર્ડ અને ટરબો ટ્રક સાથે રૂ.1,68,53,800નો મુદ્દામાલ ઝબ્બે કરી કુલ 4 શખસ સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર એસએમસી ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે દરોડો પાડી રૂ. 1,50,48,800ની કિંમતની 33,816 બોટલ મળી આવી હતી. આ દારૂ હરિયાણા લિકર પ્રાઇવેટ લિમિટેડ, ગામ જુંડલ અને ઓએસિસ કોમર્શિયલ પ્રા. લિ., ગામ જટવાર જેવી હરિયાણા સ્થિત ડિસ્ટિલરીઓમાં બનાવવામાં આવ્યો હતો. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 15,00,000ની કિંમતનો એક ટર્બો ટ્રક, રૂ. 5,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની કિંમતના કવરિંગ પ્લાયબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. 1,68,53,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ઓરૈયા, ઉત્તર પ્રદેશના રહેવાસી ટ્રક ચાલક સત્યેન્દ્ર પાલ બલવીરસિંગની ધરપકડ કરી છે.
આ ઉપરાંત, દારૂનો જથ્થો મંગાવનાર તરીકે સુરેન્દ્રનગરના ગેડિયા ગામના બિલકીસબાનુ હનીફખાન મલેક અને ઈસ્માઈલખાન બિસ્મીલાખાન મલેક, ઝેઝરી ગામના અકીબખાન ઇલમખાન મલેક તેમજ દારૂના સપ્લાયર તરીકે ઉદયપુર, રાજસ્થાનના પ્રીતમસિંગ સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દરોડોમાં ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે બજાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

