ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે રહેતા એક નિવૃત્ત વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ દિલ્હી પોલીસના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધને દોઢ મહિના સુધી માનસિક ભયમાં રાખ્યા હતા અને તપાસના બહાને કુલ 49 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે.
66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે કહીને ડરાવ્યા કલોલનામાં રહેતા અને પુસ્તકાલય ચલાવી નિવૃત્ત જીવન જીવતા નિવૃત્ત વૃદ્ધને ગત 10 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અભિમન્યુ નામના શખ્સે જણાવ્યું હતું કે, તમારા પર કેસ થયેલ છે અને થોડીવારમાં દિલ્હી પોલીસના અધિકારી નિરજ ઠાકુરનો ફોન આવશે. ત્યારબાદ નિરજ ઠાકુર નામના શખ્સે વીડિયો કોલ મારફતે વૃદ્ધનો સંપર્ક કરી ભય બતાવ્યો હતો કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને ICICI બેંકમાં 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે.

