Gujarat

સુરત મર્ડર કેસનો ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો

સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા ગુનેગારને પકડવામાં લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો, જેને સુરત પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ઝડપી લીધો છે.

હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી જેલમાં હાજર ન થયો આ કેસની વિગત એવી છે કે, હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી સાઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ગોડાદરા) ને ગત 3 એપ્રિલ, 2025ના રોજ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતાં. નિયમ મુજબ તેને 13 એપ્રિલ, 2025ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે, આરોપી નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. છેલ્લા 9 મહિનાથી તે પોલીસની ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો.

હૈદરાબાદમાં છુપાઈને ‘ડિલિવરી બોય’નું કામ કરતો સુરત પોલીસની તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સાઈ ગણેશ તેલંગણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં છુપાયો છે. તે હૈદરાબાદના હાઈ-ટેક વિસ્તાર ગણાતા માધાપુરમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસથી બચવા માટે તેણે ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકેની નોકરી શરૂ કરી દીધી હતી. તે દિવસભર શહેરમાં ડિલિવરી કરતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય.