છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોને અલગ અલગ ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી ઠગવાના કિસ્સાઓમાં વધારો થયો છે. હવે વિદેશમાં રહેતા NRI પણ સાયબર ફ્રોડ કરતી ટોળકીના નિશાના પર આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના એક યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ અરેસ્ટ કરી ઓસ્ટ્રેલિય ડોલર સહિત રૂ. 48 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના નારણપુરા મીરા અંબિકા રોડ પર રહેતા વૃદ્ધના બે દીકરા છે.મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં એડીલેડ રહે છે,જ્યારે નાનો દીકરો સિડનીમાં રહે છે. 26 ઓગસ્ટ 2025ના રોજ સિડનીમાં રહેતા દીકરાને ભારતીય નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવી યુવકના મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે હોવાનું કહી યુવકને ડરાવ્યો હતો.
IP એડ્રેસ મેળવી યુવકના લેપટોપ-મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો સાયબર ગઠિયાઓએ યુવકને વીડિયો કોલ પર હાજર રાખીને સતત નજર હેઠળ રાખ્યો હતો. તેને કેમેરા સામે જ રહેવા, કોઈને મળવાનું નહીં અને કોઈ સાથે વાતચીત નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સહકાર નહીં આપે તો ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાવવાની અને ભારત આવશે ત્યારે એરપોર્ટ પરથી જ પકડાઈ જવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણને કારણે યુવક માનસિક રીતે ડરી ગયો હતો.ગઠિયાઓએ યુવકને સિડનીમાં નવો મોબાઈલ અને નવું સિમકાર્ડ લેવા પણ મજબૂર કર્યો હતો.
એટલું જ નહીં, તેના મોબાઈલ અને લેપટોપના IP એડ્રેસ મેળવી લઈને તેના ફોન અને લેપટોપ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસના નામે તેની તમામ બેન્ક વિગતો મેળવી લેવામાં આવી અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તેના એકાઉન્ટમાંથી 25,000 ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે અંદાજે 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

