જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના પોલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના બેડેશ્વર રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે વાલસુરા રોડ પર બની હતી. જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ હસ્તક લગાવવામાં આવેલા લોખંડના પોલ અને સીસીટીવી કેમેરાને નુકસાન થયું છે. કુલ રૂપિયા 53,536નું નુકસાન અંદાજવામાં આવ્યું છે.

પરમદિવસે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ પોલને ટક્કર મારી હતી. આ બનાવ અંગે પોલીસના નેત્રમ વિભાગના એએસઆઈ પરેશભાઈ અમૃતલાલ ખાણધરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

