ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી.
બેઠકની શરૂઆતમાં 22મી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ “જલ જીવન મિશન – નલ સે જલ” અને “ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ” કાર્યક્રમ હેઠળ અમલમાં રહેલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. સંબંધિત અધિકારીઓને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી.

આ બેઠકમાં પાણી પુરવઠા યોજનાઓના બાકી ઓડિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને જાળવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફતે હાથ ધરવા બાબતે વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડવર્ક્સ ખાતે તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 0 થી 30 ટકા પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની સમીક્ષા કરીને વેરા વસૂલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

