Gujarat

પોરબંદર પોલીસે વિદેશી દારૂના આરોપીને પાસા હેઠળ જેલ ભેગો કર્યો

પોરબંદર પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ, 1.28 ક કરોડ રૂપિયાના દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી ભીમા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ ઓડેદરાને પાસા (PASA) હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવ્યો છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના મુજબ, આરોપી ભીમા ઓડેદરા (ઉંમર 37, રહે. છાંયા નવાપરા, પોરબંદર) પાસેથી વિવિધ બ્રાન્ડની કુલ 14,544 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જપ્ત કરાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત રૂપિયા 1,28,42,400/- આંકવામાં આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરવા બદલ આરોપી સામે કડક પગલાં લેવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા દ્વારા પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુ કરતા, પોરબંદર એલ.સી.બી.ની ટીમે ભીમા ઓડેદરાની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.