ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2026નો મહાશિવરાત્રી મેળો ‘મિની કુંભ’ તરીકે ઐતિહાસિક સ્તરે ઉજવાશે. આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ-પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તંત્ર અને સાધુ-સંતો વચ્ચેના સંકલન સાથે આ મેળાને ભક્તિ અને શિસ્તનો બેનમૂન સંગમ બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, જે રીતે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી, તે જ રીતે આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો પરંપરાગત અને આધુનિક વ્યવસ્થાના સમન્વય સાથે ઉજવાશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર આ મેળાને ‘મિની કુંભ’ તરીકે સ્થાપિત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યું છે.

11 ફેબ્રુઆરી સવારે ભવનાથ મંદિર ખાતે ધ્વજા ધજારોહણ કરાવામાં આવશે. સાંજે 7 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડમરું યાત્રા યોજાશે, મેળામાં આ વર્ષે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા ખાનગી વાહનોની એન્ટ્રી બંધ રાખવામાં આવી છે અને બસ સેવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ વર્ષે અધિકારીઓ માટે પણ વાહન પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને બસમાં મુસાફરી ફરજિયાત કરવામાં આવી છે.
મેળાનો વિધિવત પ્રારંભ 11 ફેબ્રુઆરીએ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે થશે. તે જ દિવસે સાંજે 7:00 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘ડમરૂ યાત્રા’, મહાઆરતી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી શક્યતા છે.

