Gujarat

વસ્તડીના શખ્સનો રીક્ષામાં ભૂલાયેલો થેલો મળ્યો

સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના વસ્તડી ગામના ગોવિંદભાઈ ઈશ્વરભાઈનો રીક્ષામાં ભૂલાઈ ગયેલો થેલો ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી પરત કરવામાં આવ્યો છે. આ થેલામાં રૂ. 3,000ની કિંમતનો સામાન હતો.

સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ‘નેત્રમ’ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી “તેરા તુજકો અર્પણ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવે છે.

અરજદાર ગોવિંદભાઈ ઈશ્વરભાઈ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ ધ્રાંગધ્રાથી રીક્ષામાં બેસી સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે ઉતર્યા હતા. તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા.

આ અંગે ‘નેત્રમ’ ખાતે જાણ કરવામાં આવતા, ‘નેત્રમ’ના સીસીટીવી કેમેરાની મદદથી ગોવિંદભાઈ જે રીક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01 TH-5325 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રીક્ષાચાલકનો સંપર્ક કરીને ગોવિંદભાઈનો થેલો તેમને પરત કરવામાં આવ્યો હતો.