ભાવનગર શહેરમાં ફાઇન્સ કંપનીના ડિવિઝનલ મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. જૂના વહેમ અને રંજિશના કારણે લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા-પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થતા, પોલીસે આ બનાવમાં 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કંપનીમાં અગાઉ સાથે કામ કરતા શખ્સે જ જીવલેણ હુમલો કર્યો આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગ્રામીણ લિમિટેડ માઈક્રો ફાઇન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશ ભરતસિંહ પરમારએ કંપનીના પૂર્વ કર્મચારી ભાવનગરના રહેવાસી રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા અને અન્ય 3 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, નરેશ ભરતસિંહ પરમાર અને રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા કંપનીમાં સાથે કામ કરતા હતાં. જેમાં રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયાએ બે મહિના પહેલા કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.
લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પરંતુ આ રાજીનામુ આપવામાં ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે કંપનીમાં ખોટી રજુઆત કરી હોવાનો રામદેવસિંહ સરવૈયાને મનમાં વહેમ હતો. જે વહેમની દાઝ રાખીને રામદેવસિંહ સરવૈયાએ અજાણ્યા શખ્સોને સાથે રાખી નરેશ પરમારને લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

