Delhi

કોંગ્રેસ દ્વારા સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા અને પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવા જણાવ્યું

નવીદિલ્હી
લોકસભામાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે બિલમાં સુધારો ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ અને ન્યાયી બનાવશે. તેમણે કહ્યું કે આધાર નંબરને મતદાર યાદી સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી. તે સ્વૈચ્છિક હશે. વિપક્ષના આક્ષેપોને ફગાવી દેતા તેમણે કહ્યું કે આ સુધારા ભારતના ચૂંટણી પંચ અને સંસદની સ્થાયી સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પર આધારિત છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આ વિષય પર ચૂંટણી પંચ અને રાજ્યો સાથે વ્યાપક ચર્ચા કરી છે. ગૃહમાં બિલની રજૂઆત કરતા રિજિજુએ કહ્યું કે હવે કોઈપણ પુખ્ત વ્યક્તિ ૧ જાન્યુઆરી, ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરના રોજ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. બાદમાં સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે આ બિલ દેશમાં વ્યાપક ચૂંટણી સુધારાનો માર્ગ ખોલશે.કોંગ્રેસે મંગળવારે તેના રાજ્યસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીઈનો વ્હીપ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવા માટે તમામ સાંસદોએ ગૃહમાં હાજર રહેવું જાેઈએ. કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં ચૂંટણી કાયદા (સુધારા) બિલ-૨૦૨૧ રજૂ કરી શકે છે, જેનો કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા સોમવારે વિપક્ષના વિરોધ છતાં આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે એક પત્રમાં લખ્યું છે કે, “તમામ સાંસદોને મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી ગૃહ સ્થગિત ન થાય ત્યાં સુધી રાજ્યસભામાં હાજર રહેવા અને પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવું.” લોકસભામાં ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ-૨૦૨૧નો વિરોધ કરતા કોંગ્રેસે સોમવારે કહ્યું કે તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે આ બિલ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન હશે. જ્યારે સરકારે કહ્યું કે, બિલ હેઠળ મતદાર યાદીને આધાર નંબર સાથે લિંક કરીને નકલી મતદાનને રોકી શકાય છે. વિધેયકમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર વ્યક્તિઓને વર્ષમાં ચાર તક આપવાની જાેગવાઈ છે. એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, તૃણમૂલ કોંગ્રેસના સૌગતા રોય, આરએસપીના એનકે પ્રેમચંદ્રન અને બસપાના રિતેશ પાંડેએ બિલનો વિરોધ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ કહ્યું કે સરકાર એક મહત્વપૂર્ણ બિલ ઉતાવળમાં લાવી છે અને તેના પર ગૃહમાં ચર્ચા કરવાની તક આપી રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *