જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ગત તા.01-04-2025 થી 10-02-2026 સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતા વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે જિલ્લાના 100 જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું સબળ માધ્યમ બની હતી. તેમણે ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસ કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસુલાત અને સરકારી જમીન પરના દબાણો હટાવવા જેવી કામગીરી હાથ ધરી હતી.

શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, તેમણે શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં બાળકોના શિક્ષણનું સ્તર, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને મધ્યાહન ભોજનની ગુણવત્તાની તપાસ કરી પોષણક્ષમ આહાર સુનિશ્ચિત કર્યો હતો.

આરોગ્ય ક્ષેત્રે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઓ.પી.ડી., દવાનો જથ્થો અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર મળે તેવું વાતાવરણ સર્જ્યું.

