ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા આજે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો ચોટીલા અને મુળી તાલુકાના ચાર અરજદારોને આપવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર મેળવનારાઓમાં ચોટીલા તાલુકાના દેવસર ગામના ઘનશ્યામભાઈ શાંતિલાલ કાચા અને શાંતિલાલ ગોકળભાઈ કાચા (બંને રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોટીલા તાલુકાના ચાણપા ગામના લીલાબેન તખતસંગ બારડ (રહે. ચાણપા) અને મુળી તાલુકાના ટીકર ગામના પ્રહલાદભાઈ ડાયાભાઈ સુથારને પણ પ્રમાણપત્રો મળ્યા હતા.
આ અરજદારો મૂળ ખેડૂત ખાતેદાર હતા, પરંતુ તેમની જમીન વેચી દેતા તેઓ બિન-ખેડૂત બન્યા હતા. સરકારના 2009ના પરિપત્ર મુજબ, બિન-ખેડૂત બનેલા ખેડૂતને બે વર્ષના સમયગાળામાં અન્ય જગ્યાએ જમીન ખરીદવા માટે આવા પ્રમાણપત્રની જરૂર પડે છે. આ સંદર્ભે તેમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

પ્રમાણપત્ર મેળવ્યા બાદ અરજદારોએ લેખિતમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમને ખૂબ જ ઝડપી અને નિયત સમય મર્યાદામાં, કોઈપણ પ્રકારની અડચણ વગર અને કાયદાઓ તેમજ પરિપત્રના સરળ ઉપયોગથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અમે સરકાર અને આપની કામગીરીથી ખુશ છીએ.”

