મૂળી તાલુકાના ઉમરડા ગામના દશરથસિંહ માનસંગભા ચૌહાણ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રવિવારે પોતાના વતન પરત ફર્યા હતા. વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા દશરથસિંહનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ તેમને ફૂલહાર પહેરાવી અને કુમકુમ તિલક કરી સન્માનિત કર્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

દશરથસિંહ ચૌહાણ 17 વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે નાયક તરીકે ફરજ બજાવી હતી અને દેશની સેવા કાજે અનેક પડકારજનક પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા. તેમની નિષ્ઠાવાન સેવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જગતસિંહ પરમાર, મૂળી પીઆઈ કિરીટસિંહ વિહોલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દશરથસિંહની દેશસેવાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મૂળી તાલુકામાં સેનામાં જોડાવવાનો અનોખો ઉત્સાહ જોવા મળે છે. ટીકર, મૂળી, કળમાદ, દુધઇ, નવાણીયા, સિધ્ધસર અને ઉમરડા સહિતના અનેક ગામોના યુવાનો માતૃભૂમિની રક્ષા માટે દિવસ-રાત જોયા વગર સેવા આપી રહ્યા છે.

