Gujarat

જામનગરમાં રેલવે નોટિસ સામે વિરોધ, હનુમાન ટેકરી વિસ્તારના રહેવાસીઓની પોલીસ દ્વારા અટકાયત

જામનગરમાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીએ એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી હતી.

રેલવે તંત્રએ દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા બે દિવસથી નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ કરાયો છે.

આ નોટિસના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગત રાત્રિએ મહિલાઓ સહિતના લોકોના ટોળા એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે તેમને અટકાવી આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા સમજાવ્યા બાદ લોકો પરત ફર્યા હતા.

આજે ફરીથી લાલ બંગલા સર્કલ પાસે લોકો એકઠા થયા હતા. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને કમિશનરને મળવાની જીદ પકડી હતી.

મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને મળે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. બે બસ ભરીને સ્થાનિકોને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા. જોકે, પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ રેલવેની નોટિસના મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે. પોલીસ તંત્ર પણ આ મામલે એલર્ટ મોડમાં છે.