ગુજરાત જેવા મોટા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ-રસ્તા પરના ખાડાના કારણે 24 અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2020થી 2024 દરમિયાન દેશમાં ખાડાના કારણે 23056 અકસ્માતમાં 9438 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 10 હજાર અકસ્માતમાં 5127 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પ્રકારના અકસ્માતમાં ગુજરાતમાં 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી 16 લોકો ગંભીર રીત ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.
દેશમાં પણ 9670 લોકોને ખાડાના કારણે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 80 ટકા મોત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, પંજાબ અને આસામમાં નોંધાયા હતા. બિહારમાં એક પણ અકસ્માત નહીં! 2020થી 2024 દરમિયાન બિહારમાં એક પણ અકસ્માત રસ્તા પરના ખાડાના લીધે સર્જાયો નથી, ના કોઇ ઇજાગ્રસ્ત થયું છે.
બિહાર સિવાય આંધ્ર પ્રદેશ, ગોવા, ચંદીગઢમાં પણ એક અકસ્માત ખાડાના કારણે થયો નથી. મોટા રાજ્યમાં ખાડાના કારણે સૌથી ઓછા અકસ્માત ગુજરાતમાં થયા છે. દિલ્હીમાં 50 અને કેરળમાં 11 લોકોના મોત ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં નોંધાયા હતા.

