સુરતની સેશન્સ કોર્ટે સમાજમાં સગીર બાળકીઓની સુરક્ષા અને વધતી જતી લૂંટફાટની ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ જેમાં એક તરફ રાંદેરમાં સગીર બાળકીઓ સાથે ઘરમાં ઘૂસીને થયેલી છેડછાડ અને બીજી તરફ કીમ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી. બંને કેસમાં આરોપીઓની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારીને ગુનેગારોમાં કાયદાનો ફફડાટ ફેલાવી દીધો છે.
આરોપીએ સૂઈ રહેલી બાળકી સાથે અડપલાં કર્યા હતા પ્રથમ કિસ્સામાં, રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આલુપુરીનો ધંધો કરતી એક માતા પોતાની ત્રણ દીકરીઓને ઘરે મૂકીને કામ પર ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી રાફે ઉર્ફે સમીર સાહિદ સૈયદ ઘરમાં ઘૂસી ગયો હતો અને સૂઈ રહેલી બાળકીઓ સાથે અડપલાં કર્યા હતા. બાળકીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને આરોપી ઝડપાઈ ગયો હતો. કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ દર્શાવે છે કે હવે માસૂમ બાળકીઓ પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવે છે, જેની તેમના માનસ પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર પડે છે.
‘કોઈ માતા બદલો લેવા દીકરીની આબરૂ દાવ પર ન લગાડે’ બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે અગાઉની દુશ્મનાવટના કારણે આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જોકે, કોર્ટે આ દલીલને ફગાવતા અત્યંત ભાવનાત્મક ટિપ્પણી કરી હતી કે, ભલે કોઈ પણ વ્યક્તિ વચ્ચે ગમે તેવી અદાવત હોય, પરંતુ કોઈ પણ માતા પોતાની દીકરીની આબરૂનો ઉપયોગ બદલો લેવા માટે ન કરે. પોતાની સંતાનને પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવા પડે તેવી ખોટી ફરિયાદ કોઈ માતા ક્યારેય ન કરે, તેમ કહીને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.

