સુપ્રસિદ્ધ ધોળેશ્વરથી પંચદેવ સુધી શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, ચાર પ્રહરની પૂજા સાથે ભક્તો ભક્તિમાં તરબોળ
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાટનગર ગાંધીનગર અને સમગ્ર જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો છે. ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસનાના આ મહાપર્વે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. શ્રાવણ માસ બાદ મહાશિવરાત્રી એક એવો ઉત્સવ છે જેમાં શિવભક્તોમાં અનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક ઊર્જા જાેવા મળે છે.
ગાંધીનગરના સુપ્રસિદ્ધ અને પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ સવારથી જ શિવભક્તોની લાંબી લાઈનો જાેવા મળી હતી. સાબરમતીના તટે આવેલા આ મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત શહેરના મધ્યમાં આવેલા સેક્ટર-૨૨ પંચદેવ મંદિર, રાયસણના પંચેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ અને વાસણીયા મહાદેવ જેવા સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. શિવ ભક્તોએ દૂધ, જળ, મધ અને દહીંના અભિષેક સાથે બિલ્વપત્ર અર્પણ કરી શિવલિંગની વિશેષ પૂજા કરી હતી.મહાશિવરાત્રીની રાત્રિ એટલે શિવ અને શક્તિના દૈવી લગ્નનું પર્વ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજના દિવસે રાત્રિના ચાર પ્રહરની પૂજાનો સવિશેષ મહિમા છે.
ગાંધીનગરના મુખ્ય શિવાલયોમાં ગત રાત્રિથી જ વિશેષ અનુષ્ઠાનો શરૂ કરી દેવામાં આવ્યા હતા, જે આજે વહેલી સવાર સુધી ચાલ્યા હતાં. આ પૂજા દરમિયાન આખી રાત પ્રાર્થના, ભજન અને ધ્યાન ધરવામાં આવે છે. શિવભક્તો માટે આ માત્ર એક તહેવાર નથી પરંતુ મન અને શરીરની શુદ્ધિ માટેની એક આધ્યાત્મિક શિસ્ત છે. આ અવસરે મંદિરોને ફૂલોની પાંખડીઓ અને રંગબેરંગી રોશનીથી અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે ફરાળી પ્રસાદ અને ઠંડાઈની પણ વ્યવસ્થા ઘણી જગ્યાએ જાેવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં પણ ગ્રામજનો દ્વારા લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. આમ સમગ્ર ગાંધીનગર જિલ્લો આજે શિવ આરાધનામાં લીન થયો છે. ભક્તોએ મહાદેવ પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

