Gujarat

દક્ષિણ ગુજરાતમાં ૪૫૮૩ કરોડના ખર્ચે ફોરલેન હાઈવેને મંજૂરી

૧૦૮ કિમીનો નવો હાઈવે સુરત, નર્મદા અને તાપી જિલ્લામાંથી પસાર થશે, આદિવાસી વિસ્તારને ફાયદો થશે

દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ ર્નિણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. ૪૫૮૩.૬૪ કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૭ કિલોમીટર લાંબો ૪ લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં આધુનિક અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવાનો હેતુ ધરાવે છે.નવા મંજૂર કરાયેલા રસ્તાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, તાપી અને સુરત જિલ્લાને ફાયદો થશે. આ નવા હાઈવેના નિર્માણથી દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોને મોટી રાહત મળશે. માર્ગ વ્યવસ્થા સુધરતા ઉદ્યોગ, કૃષિ અને વેપાર ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થશે. સ્થાનિક લોકો માટે રોજગારીના નવા અવસર ઉભા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્રીય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. તેમણે ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતને રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક સાથે વધુ મજબૂત રીતે જાેડવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળશે. હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવાસ વધુ સલામત અને ઝડપી બનશે, સાથે જ પર્યટન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.