Gujarat

સાંસદ પૂનમબેન માડમે રેલવે-વહીવટી તંત્ર સાથે સંકલન સાધ્યું

જામનગરના વોર્ડ નંબર 6 માં રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે તોળાઈ રહેલું ડિમોલીશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી રેલવે અને વહીવટી તંત્ર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી સેંકડો સ્થાનિકોને મોટી રાહત મળી છે.

વોર્ડ નંબર 6 માં આવેલા હનુમાન ટેકરી અને સિદ્ધાર્થ નગર સહિતના વિસ્તારોમાં અંદાજે 1500 થી 2000 જેટલા રહેવાસીઓને તેમના મકાનો સાત દિવસમાં ખાલી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અચાનક બેઘર થવાના ભયથી, ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓના સમયે, સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ હતો.

આ પરિસ્થિતિને પગલે પ્રભાવિત લોકો ગત શુક્રવારે રાત્રે સાંસદ પૂનમબેન માડમનો સંપર્ક કર્યો હતો. દિલ્હીથી લોકસભા સત્રમાંથી પરત ફરેલા સાંસદે મોડી રાત્રે પણ લોકોની રજૂઆતો સાંભળી હતી અને તેમને રાહત આપવા તથા બે દિવસમાં બેઠક યોજવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ, સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે વિભાગના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ પાસાઓ પર ઝીણવટપૂર્વક વિચારણા કર્યા બાદ માનવતાવાદી અભિગમ અપનાવીને હાલ પૂરતી ડિમોલીશન સહિતની તમામ આનુષંગિક કાર્યવાહીઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો.