Gujarat

સુપરવાઈઝર વિક્રમ ડાંગરના કથિત ત્રાસથી બસ ડ્રાઈવરે ઝેરી દવા પીધી

રાજકોટ મનપા સંચાલિત રાજકોટ રાજપથ લિ.ના અટલ ડેપોમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને રાજકીય જોડાણ ધરાવતા વિક્રમ ડાંગર સામે ત્રાસના ગંભીર આક્ષેપો કરી સિટી બસ ડ્રાઈવરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા મ્યુનિસિપલ બસ વ્યવસ્થામાં ભારે ખળભળાટ મચ્યો છે.

રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે મહર્ષિ અરવિંદ ટાઉનશિપમાં રહેતા સાદીક સુલતાન મુરમા (ઉ.વ. 34)એ સોમવારે સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેના બે માસૂમ પુત્રએ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

દવા પીતા પહેલાં સાદીક મુરમાએ બનાવેલા વીડિયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી અટલ સરોવર ડેપોમાં ફરજ બજાવતો હતો અને એકથી બે વર્ષનું બોનસ પણ બાકી છે. છ મહિના પહેલાં વિક્રમ ડાંગરે ધમકી આપી નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ આજી ડેમ ડેપોમાં શરૂ કરેલી કેન્ટીન પણ બંધ કરાવી દેવામાં આવી હતી.

સાદીકે વીડિયોમાં વધુ આક્ષેપ કર્યો કે, સીએનજી બસમાં ડ્રાઈવર તરીકે અરજી કરી દસ્તાવેજો જમા કરાવ્યા છતાં વિક્રમ ડાંગરે ત્યાં જોડાવા દીધો નહીં. એટલું જ નહીં, સ્કૂલ બસ ચલાવવા અરજી કરતાં પણ દબાણ કરી નોકરી અટકાવી દેવામાં આવી. “મને ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. પરિવાર ચલાવવા પૈસા નથી. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું,” એમ કહી તેણે પરિવારને ન્યાય માટે લડવાની અપીલ કરી હતી.