Gujarat

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા 17 વર્ષથી મદદનીશ કમિશનર કચેરીમાં વણનોંધાયેલા પ્રમુખના શાસનમાં ચાલી

પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી ઉપડી રહેલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઝગડાનો ચરૂ ગઈકાલે છલકાઈ ગયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, તે મામલે આજે ખાસ હકીકતો સામે આવી છે, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છેલ્લા 17 વર્ષથી મદદનીશ ચેરીટી કમિશનર કચેરીમાં નોંધાયેલા ન હોય તેવા પ્રમુખના શાસનમાં ચાલી રહી હતી. વર્ષ 2008 પછી યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાયેલા 4 પ્રમુખોના ફેરફાર રિપોર્ટ રજૂ જ ન કરાયા હતા, પાછળથી છેક 2022માં ફેરફાર રિપોર્ટ રજૂ કરાયા પરંતુ તે નામંજૂર થયા હતા અને ફરી પાછો ફેરફાર રિપોર્ટ રજૂ કરાયો હતો જે હજુ પેન્ડિંગ છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પોરબંદરના મદદનીશ ચેરીટી કમિશનર કચેરીમાં વર્ષ 2008થી નોંધાયેલ ટ્રસ્ટ છે, અને ટ્રસ્ટના પીટીઆર માં કુલ 26 ટ્રસ્ટના નામ નોંધાયેલ છે. ટ્રસ્ટના બંધારણ મુજબ દર વર્ષે ચૂંટણી યોજી પ્રમુખ, હોદેદારો અને કારોબારીની નિમણૂક કરવાની હોય છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, વર્ષ 2008 પછી યોજાયેલી ચેમ્બરની તમામ ચૂંટણીઓમાં નિમણૂક પામેલા પ્રમુખ, હોદેદારો અને કારોબારી અંગેના ફેરફાર રિપોર્ટ મદદનીશ ચેરીટી કમિશનર કચેરીમાં રજૂ કરવામાં આવતા જ ન હતા, જેને લીધે મદદનીશ ચેરીટી કમિશનર કચેરીના રજીસ્ટરમાં ચેમ્બરમાં હોદેદારો અલગ હોય છે અને ચૂંટણીમાં જીતેલા હોદેદારો અલગ હોય છે.

છેક વર્ષ 2022માં જે તે વખતે જીતેલા પ્રમુખ જીગ્નેશ કારિયા અને હોદ્દેદારોના નામ દર્શાવતા ફેરફાર રિપોર્ટ મદદનીશ ચેરીટી કમિશનર કચેરીમાં રજૂ કરાયા હતા પરંતુ ટેક્નિકલ કારણોસર તે રિપોર્ટ મંજૂર ન રહેતા ફરી એની એજ વિસંગતતાં ઊભી રહી હતી, ત્યારબાદ ફરી તા.15 ફેબ્રુઆરી 2025માં ચેમ્બરની ચૂંટણી જીતેલા પ્રમુખ જીગ્નેશ કારિયા અને હોદેદારોએ મદદનીશ ચેરીટી કમિશનર કચેરીમાં વધુ એક ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો હતો જે હજુ પેન્ડિંગ છે.

તે દરમ્યાન મદદનીશ ચેરીટી કમિશનર કચેરીના પીટીઆરમાં નોંધાયેલા પ્રમુખ નલિન કાનાણી અને તેની ટીમ દ્વારા ગઈકાલે રવિવારે ચેમ્બરની ઓફિસ અને પ્રોપર્ટીનો કબજો જીગ્નેશ કારિયા પાસેથી લઈ લેવામાં આવતા ફરી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અને આ ટેકનિકલી લડાઇએ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી વ્યાપારિક સંસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ખડો કરી દીધો છે.

હાલ બંને પક્ષ દ્વારા સામસામી ટેકનિકલ લડાઈ શરૂ કરવામાં આવી છે, એમાં ચેમ્બરની મોટી રકમ ધરાવતા બેંક ખાતા અને થાપણો ના ખાતા ઓપરેટનો વિવાદ પણ માથું ઉચકી રહ્યો છે, ત્યારે આ મામલે જબરી ઉથલપાથલ સર્જાઈ છે.