Gujarat

બનાસકાંઠા LCB એ દારૂની હેરાફેરી ઝડપી, ક્રેટા ગાડીના ગુપ્ત ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ કાર્યવાહીમાં બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 8,30,014/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ગુપ્ત ખાનામાંથી મળેલી વિદેશી દારૂની 94 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 3,10,014/- છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (નંબર: GJ01HU4769) જેની કિંમત રૂ. 5,00,000/- અને બે મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 20,000/- પણ જપ્ત કરાયા છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં કચ્છના મુંદ્રા તાલુકાના બારોઈ ગામના ચન્દ્રસિંહ ઉર્ફે રવિ જયંતીભાઈ ચૌહાણ (ઉંમર 38) અને જામનગરના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના લખીરાજસિંહ પથુભા જાડેજા (ઉંમર 24) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.