‘ચૂંટણી આવતાં જ હાફ પોલિટિકલ પાર્ટીઓ સક્રિય થઈ જાય છે‘, સાંસદ અને ધારાસભ્યો નેતાઓ સાથે બેઠક
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે તેમનું પાટણના પટોળાના ખેસ પહેરાવીને અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં ભાજપ હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિત મુખ્યમંત્રી, સંગઠન મંત્રીઓ અને પૂર્વ પ્રદેશ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી સમયની રાજકીય રણનીતિ અને સંગઠનાત્મક યોજનાઓ પર સઘન ચર્ચા કરવામાં આવશે, જેમાં નીતિન નબીન સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં ભાવિ કાર્યક્રમોનું માળખું તૈયાર કરવામાં આવશે. નીતિન નબીને જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે એક કરવાનું કામ કર્યું હતું, એમ આખા ભારતને એક કરવાનું કામ કર્યું છે. અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. જેમણે દેશ માટે કામ કર્યું છે. દેશના પ્રધાનમંત્રીનો હું આભાર માનું છું. ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનું છું. ગુજરાત આજે નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે બુથ લેવલથી તમામ કાર્યકર્તાઓનો ફાળો છે તેમનો આભાર માનું છું.
તેને વધુમાં કહ્યું કે, આજે ગુજરાત માત્ર ભારત નહી પરંતુ વિશ્વમાં નેતૃત્વ છે. ગુજરાતના નાગરિકોના તમારા આશીર્વાદથી વડાપ્રધાન નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલન માત્ર પરિવર્તન નહીં પરંતુ વિકાસ માટે હોય છે. નીતિન નબીને કહ્યું કે, સેવાને જ ધર્મ માનતા વડાપ્રધાન કાર્ય કરી રહ્યા છે. દેશની સુરક્ષાની પડી નથી અને પ્રજાની પડી નથી અને એવી તાકાતો ફરી ઊભી થઈ છે. ભાજપ સંપૂર્ણ પોલિટિકલ પાર્ટી છે. ચૂંટણી આવતાં જ હાફ પોલિટિકલ પાર્ટીઓ સક્રિય થઈ જાય છે. જય ગુજરાત અને જય ભારત. સૌપ્રથમ નીતિન નબીનનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજન સાથે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેઓને આવકારવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર અભિવાદન કાર્યક્રમ રાખવામાં યોજાયો હતો.જેમાં અંદાજે ૫૦,૦૦૦થી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું હતું કે, ગુજરાતના ભાઈ-બહેનોએ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ગુજરાતને આંદોલનની જનની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આંદોલન ફક્ત પરિવર્તન માટે જ નહીં, વિકાસ માટે અને નવી ઊર્જાના સંચાર માટે પણ થાય છે. ગુજરાતની જનતા ફક્ત રાજ્ય માટે સરકાર પસંદ કરતી નથી, પરંતુ એવા નેતૃત્વને પસંદ કરે છે જેના બળ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે. નીતિન નબીનએ આવનારા વર્ષ ૨૦૨૭ અને ૨૦૨૯ને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે કેટલીક એવી તાકતો ફરી માથું ઊંચું કરી રહી છે, જેઓને દેશની સુરક્ષા કે સામાન્ય જનતા સાથે કોઈ લગાવ નથી અને જે ફક્ત પોતાના હિત માટે કાર્ય કરે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,નીતિન નબીન એવા અધ્યક્ષ છે, જે બાળપણથી આજ સુધી બદલાતા ભારતના સાક્ષી રહ્યા છે. નીતિન નબીન પાસે સરકાર અને સંગઠન બંનેનો વ્યાપક અનુભવ છે. તેઓ સાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. અનેક રાજ્યોના પ્રભારી તરીકે તેમણે સફળ અને અસરકારક ભૂમિકા નિભાવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રીક પાર્ટીની આ જ વિશેષતા અને તાસીર છે કે અહીં બુથ લેવલનો કાર્યકર્તા પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ ધરાવે છે.

