Gujarat

સુરત-અંકલેશ્વર, છોટાઉદેપુર પંથકમાં વરસાદ, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય લગ્નની સીઝન પર આભ ફાટ્યું, મંડપો પલળી ગયાં

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે (૨૦ ફેબ્રુઆરી) વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જાેશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જાેર પણ વધ્યું છે.

ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે લોકોએ એકસાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો, સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારની સામાન્ય જનજીવન પર પણ અસર જાેવા મળી હતી. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સવારે ૪:૩૦ કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદ કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો જાેવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારમાં છાંટા પડ્યાં હતાં. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. તો શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

સુરત શહેરમાં વહેલી સવારથી જ ખાબકેલા વરસાદે મનપાની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘બુક ફેર‘માં મુખ્યમંત્રીના આગમનને લઈ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, તે વરસાદી પાણીમાં ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ પરિસ્થિતિને થાળે પાડવા અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પોરમાં જ ટ્રકો ભરીને તાડપત્રીઓ મંગાવવામાં આવી હતી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય અને આયોજન સુચારુ રીતે પાર પાડી શકાય. સુરત શહેરમાં સવારથી જ કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક વરસેલા આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. વહેલી સવારના આ માવઠાએ વાહનચાલકો અને નોકરી-ધંધાર્થે નીકળતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી હતી, સાથે જ રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભારતની સ્થિતિ જાેવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે ૩૦થી ૪૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. ૨૪ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી ૨ દિવસમાં ૨થી ૩ ડિગ્રીનો ક્રમશ: વધારો જાેવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહીમાં ટેક્નોલોજિકલ સુધારો કરવામાં આવ્યો છે. નવી મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ ડિસિઝન સિસ્ટમ તૈયાર થતાં હવે હવામાનની વધુ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકશે. આ નવી સિસ્ટમના અમલ બાદ ડિસ્ટ્રિક્ટ તેમજ સ્ટેટ બાઉન્ડ્રી મુજબ ચોક્કસ આગાહી શક્ય બની છે. હવેથી એર ક્વોલિટી, સાયક્લોન, હેલ સ્ટોર્મ સહિત વિવિધ કુદરતી જાેખમોની વિગતવાર અને સમયસર માહિતી સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થઈ શકશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ નવી ટેક્નોલોજીના કારણે આગાહીમાં અંદાજે ૨૦ ટકા સુધી એક્યુરસીનો વધારો થયો છે. આ કામગીરી બદલ ઈ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.