મહેસાણા શહેરના હાર્દ સમાન તાલુકા પંચાયત પાસે નવનિર્મિત સ્સ્ઝ્ર પ્લાઝા હાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્પેસ મેકિંગ દ્વારા તૈયાર કરાયેલા આ સુંદર સ્થળે હવે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી રવિવારે શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્તની ક્ષણોને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા સવારે ‘હેપ્પી સ્ટ્રીટ’ અને રાત્રે ‘ઓપન માઈક’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સવારે ૬.૩૦થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ‘ફિટ ઈન્ડિયા‘ના કોન્સેપ્ટ હેઠળ હેપ્પી સ્ટ્રીટનું આયોજન થશે, જેમાં નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે યોગા, ઝુમ્બા ડાન્સ, ધ્યાન અને વિવિધ કસરતો કરાવવામાં આવશે. આ માટે નિષ્ણાત ટ્રેનર્સની સેવાઓ પણ લેવામાં આવશે, જેથી બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર જાેડાઈ શકે. સવારના આહલાદક વાતાવરણમાં કસરત અને મનોરંજનનો સંગમ જાેવા મળશે.
બીજી તરફ રવિવારની રાતને સાંસ્કૃતિક રંગે રંગવા માટે રાત્રે ૮.૦૦થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન ઓપન માઈક પ્રોગ્રામ યોજાશે. આ મંચ પર શહેરના સ્થાનિક કલારસિકો પોતાની અંદર છુપાયેલી કલા અને પ્રતિભાનું પ્રદર્શન કરી શકશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને જાેતા તંત્ર દ્વારા સ્ટેજની ઊંચાઈ વધારવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ કાર્યક્રમનો આનંદ માણી શકે. મહિલાઓ અને પુરુષો માટે અલગ બેઠક વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગની પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. પાલિકાની આ પહેલથી મહેસાણાના નાગરિકોને રજાના દિવસે એક જ સ્થળે સ્વાસ્થ્ય અને મનોરંજનનો અનોખો લ્હાવો મળશે.

