International

નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત

ફરી એકવાર નાઈઝીરીયામાં અશાંતિનો માહોલ જાેવા મળ્યો હતો જેમાં ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા અનુસાર, આ હુમલો ગુરુવાર સાંજે ૫ વાગ્યાથી શરૂ થઈને શુક્રવાર વહેલી સવારના ૩:૩૦ વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ગામમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી. જીવ બચાવવા ભાગી રહેલા રહેવાસીઓ પર પણ હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી.

આ આક્રમણ પહેલા ગ્રામજનોએ આશરે ૧૫૦થી વધુ મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોને જાેયા હતા અને તે અંગે સુરક્ષા દળો તેમજ સ્થાનિક સત્તાધીશોને જાણ કરી હતી. જાેકે, સ્થાનિકોનો આરોપ છે કે તેમની આ ગંભીર ચેતવણીને અવગણવામાં આવી હતી, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે, જેમની ચોક્કસ સંખ્યા જાણવા માટે સ્થાનિક પ્રશાસન હાલમાં તપાસ કરી રહ્યું છે.