ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાંથી એક ૧૩ વર્ષીય મૂકબધિર બાળક રહસ્યમય સંજાેગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવેલો આ બાળક સંસ્થાના વાલીપણામાંથી કોઈને કહ્યા વગર રાત્રિના સમયે નીકળી જતા સેક્ટર-૨૧ પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેના સંસ્થાના ગૃહપતિ હિતેશભાઈ નિનામાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે ૧૩ વર્ષીય આ બાળક મૂળભૂત રીતે બિનવારસી હતો, જેને સેક્ટર-૭ પોલીસે શોધી કાઢ્યા બાદ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો.
જાેકે બાળક મૂકબધિર હોવાથી તેના વિકાસ માટે ગત નવેમ્બર માસમાં સેક્ટર-૨૮ની સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન ગત તા. ૬ ફેબ્રુઆરીના રોજ સવારે નાસ્તા સમયે બાળક ગેરહાજર જણાતા સંસ્થામાં દોડધામ મચી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, તા. ૫ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે તે કોઈને જાણ કર્યા વગર સંસ્થામાંથી બહાર નીકળી રહ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાળક છેલ્લા કેટલાક સમયથી અસામાન્ય વર્તન કરી રહ્યો હતો. તે રાત્રે અન્ય બાળકો પર હુમલો કરવો, આક્રમક થઈ જવું અને પાગલપન જેવી હરકતો કરતો હતો.
આ અગાઉ પણ તે બે વખત સંસ્થામાંથી ભાગી ગયો હતો, પરંતુ ત્યારે તેને શોધી લેવામાં આવ્યો હતો. આ બાબતે સંસ્થા દ્વારા ગત જાન્યુઆરીમાં સરકારી બાળ સંભાળ ગૃહને લેખિત જાણ કરી બાળકની અન્યત્ર વ્યવસ્થા કરવા વિનંતી પણ કરવામાં આવી હતી. આ બાળક ગુમ થયા બાદ સંસ્થાના સ્ટાફે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આસપાસના જિલ્લાઓની સંસ્થાઓ અને પોલીસ મથકોને બાળકના ફોટા સાથે જાણ કરી છે. જાે કોઈને આ વર્ણન ધરાવતો બાળક મળી આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

