ભાવનગર બોરતળાવ પોલીસે શહેરના ફુલસર વિસ્તારમાં રેઇડ કરતા ક્રેટા કારમાં બેસીને મોબાઇલ મારફતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ પર હારજીતના સોદા કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઇલ, રોકડ રકમ અને કાર સહિત કુલ રૂ. 10,41,700નો મુદ્દામાલ કબજે કરી બન્ને શખ્શો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફૂલસરમાં T20 મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા મળતી માહિતી મુજબ, બોરતળાવ પોલીસ સ્ટાફ ગતરાત્રીના પેટ્રોલિંગમાં હતો, ત્યારે ફુલસર વિસ્તારમાં આવેલા ઓમ શાંતિ રેસીડેન્સીમાં ક્રેટા કારમાં બેસી બે શખ્સો મોબાઇલ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા કાર નંબર GJ-04-EJ-4423માં બેઠેલા અનીલ ધીરુભાઈ દિહોરા (રહે. ખોડીયાર ચોક, ભાવનગર) અને સંજય મેપાભાઈ કામ્બડ (રહે. ગણેશનગર-2, ભાવનગર) મોબાઇલમાં GRAND7.IN તથા BIG EXCHANGE-09 વેબસાઇટ મારફતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી-ટ્વેન્ટી મેચ પર હારજીતના સોદા કરતા ઝડપાઈ ગયા હતા
10.41 લાખ જપ્ત ને ગુનો નોંધાયો પોલીસે બંને પાસેથી બે મોબાઇલ કિ.રૂ. 40,000, રોકડ રૂ. 1,700 અને ક્રેટા કાર કિ.રૂ. 10,00,000 સહિત કુલ રૂ. 10,41,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે બોરતળાવ પોલીસે બંને સામે જુગાર અધિનિયમની કલમ 12(A) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

