Gujarat

જામનગરમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો, મંત્રી મોઢવાડીયાએ કહ્યું, લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો લક્ષ્ય

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે. સામાન્ય નાગરિકને પોતાના નાના-મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે પારદર્શક વહીવટ અને ઝડપી નિકાલને વર્તમાન સરકારની કાર્યશૈલીની ઓળખ ગણાવી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી હજારો લોકોએ સ્થળ પર જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું છે, જે લોકશાહીની સફળતા દર્શાવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, કલેકટર કેતન ઠક્કર, ડે.કમિશનર ઝાલા સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.