મવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 108ને બોલાવતા 108ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ કરતાં તેના વાલીવારસ મળી આવ્યા હતાં.
મૃત્યુ પામનાર યુવાન મુળ કાલાવડનો અને હાલ મેટોડાની આસ્થા સોસાયટીમાં રહેતો મનિષ રમણિકભાઇ ધોળકીયા (ઉ.વ.34) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો.
મેટોડા આસ્થા સોસાયટીમાં પત્ની અને દીકરા-દીકરી સાથે રહેતો હતો. લક્ષમણ ટાઉનશીપમાં તે મોડી રાતે શું કરવા આવ્યો હતો? ચોથા માળે કોઇ પરિચીતને મળવા આવ્યો હતો કે પછી બીજા કોઇ કામે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

