જામનગર જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 17 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઘટના વર્ષ 2022માં બની હતી. કેસની વિગતો અનુસાર, વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના એક જિલ્લામાંથી ખેતમજૂર પરિવાર લાલપુર તાલુકાના એક ગામમાં મજૂરી કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેતમજૂર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે તેમની 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખ્સે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું.
આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી કનુ કજભાઈ બારીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદા હેઠળની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતાં, પુરાવાઓ અને સરકારી વકીલ મુકેશભાઈ જાનીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે બંને પક્ષોને સાંભળ્યા હતા. અદાલતે આરોપીને દોષિત ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા તેમજ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

