અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર સિદ્ધાર્થ રાવલ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ રાવલ સામે 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધાર્થે લોકોને શરૂઆતમાં રોકાણ કરવાનું કહીને સારું એવું વળતર પણ આપ્યું હતું, પરંતુ થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરીને ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યું પાલડીમાં રહેતા આશીનીબેન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વર્ષ 2021માં સિદ્ધાર્થના સંપર્કમાં આવ્યા હતા. જેમાં તેમને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના કર્મચારી અને માલિકે રોકાણ પર દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જેથી આશીનીબેને 10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં તેમને શરૂઆતમાં વળતર આપવામાં આવ્યું હતું.
જે બાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આશાનીબેને મૂડી પરત માંગતા વાયદા કરીને મૂડી પરત આપી ન્હોતી. આશાનીબેન સહિત અન્ય લોકો સાથે પણ આ રીતે જ પૈસા પડાવ્યા હતા જેથી સરખેજ પોલીસે 20 લાખની છેતરપિંડી મામલે સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ મૂડી પરત ન આપી અલગ અલગ બહાના બનાવ્યા સેટેલાઈટમાં રહેતા કલ્પનાબેન શાહે પણ સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2022માં તેમનો સંપર્ક સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપની સાથે થયો હતો. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની સારી પોલીસી જણાવી સારું વળતર આપવાની લાલચ આપી હતી.
જેથી કલ્પનાબેને 8.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કલ્પનાબેનને શરૂઆતમાં રોકાણ પર વળતર આપવામાં આવતું હતું. જ્યારે કલ્પનાબેને તેમની મૂડી પરત માગી ત્યારે પરત આપવામાં આવી નહોતી અને અલગ અલગ બહાના બનાવવામાં આવતા હતા.

