Gujarat

183 કરોડના ડિજિટલ પોન્ઝી કૌભાંડમાં સુધીર અને ઉમંગ કોટડિયાની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ‘QFON એપ’ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ), 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીે 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસ EDની કસ્ટડીમાં રહેશે.

ઓપરેશન દરમિયાન શું મળી આવ્યું? EDની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી કુલ ₹2.51 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લેવાયા છે.

શું હતું ‘QFON એપ’ કૌભાંડ? આ કેસની શરૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પરથી થઈ હતી. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2%થી 10.5% જેટલા માતબર વળતરની લાલચ આપી હતી. આ એક ક્લાસિક ‘પોન્ઝી સ્કીમ’ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹183 કરોડની ગેરકાયદેસર આવક (Proceeds of Crime) સામે આવી છે.