Gujarat

ખરચ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય નિરીક્ષણ

ભરૂચ જિલ્લામાં નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે હાંસોટ તાલુકાના ખરચ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ડો. નલીમા વર્મા અને ડો. તુષાર પુરોહિતે આ એસેસમેન્ટ કર્યું હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મૂલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજિસ્ટર નિભાવણી અને તેઓ દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં સગર્ભા અને પ્રસૂતાની સેવાઓ, બાળ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ યોગ-પ્રાણાયામ સહિતની આયુર્વેદિક સેવાઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા આરોગ્ય અધિકારી સંજય દુબે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જૈદીપા પટેલ, ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.