Gujarat

રાજકોટ મહાનગરપાલિકાનો વિચિત્ર ફતવો: હવે વેરો ભરવા ચેક સાથે આધારકાર્ડ આપવું ફરજિયાત બનતા મિલકતધારકોમાં ભારે રોષ

રાજકોટ મનપાની લીગલ શાખા દ્વારા આરબીઆઈના નીતિ-નિયમોને નેવે મૂકીને બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે શહેરના મિલકતધારકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બેંકિંગ વ્યવહાર કે ચેક દ્વારા ચુકવણી માટે આધારકાર્ડની નકલ આપવી અનિવાર્ય હોતી નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ચેક બાઉન્સના કિસ્સામાં કાનુની કાર્યવાહી સરળ બનાવવાના હેતુથી મિલકતધારકો પર આ નવો નિયમ લાદી દીધો છે. આ નિર્ણયને કારણે કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ નિયમ ચેક રિટર્નનાં કેસમાં કાનૂની કાર્યવાહીની સરળતા માટે લેવાયો હોવાનો બચાવ તંત્રએ કર્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ માસથી જ વેરા વસુલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. હાલમાં મનપા દ્વારા મિલકત વેરામાં વળતર યોજના (રિબેટ સ્કીમ) અમલમાં હોવાથી શહેરના હજારો મિલકતધારકો આર્થિક લાભ મેળવવા માટે ટેક્સ ભરવા ઉમટી રહ્યા છે. મોટાભાગના મધ્યમ અને ઉચ્ચ વર્ગના કરદાતાઓ મોટી રકમ હોવાથી રોકડને બદલે ચેક મારફત વેરો ભરવાનું પસંદ કરે છે.

જોકે જ્યારે મિલકતધારકો ત્રણેય ઝોનની ઓફિસો, સિવિક સેન્ટરો કે વોર્ડ ઓફિસોમાં ચેક આપવા જાય છે, ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ તેમની પાસે આધારકાર્ડની માંગણી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે મનપાએ આ અંગે અગાઉથી કોઈ જાહેર જનતા માટે સૂચના કે નોટિસ પ્રસિદ્ધ કરી નથી, માત્ર આંતરિક પરિપત્રના આધારે જ લોકો પાસે દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની લીગલ શાખાના આ પગલાં પાછળનું મુખ્ય કારણ ‘નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ (NI Act) હેઠળની કાનુની પ્રક્રિયા હોવાનું જાણવા મળ્યું છે.