Gujarat

‘અધ્યાપકે પેપર લેતા સમયે હાથ પકડ્યો‘, અમદાવાદમાં DEOની વિદ્યાર્થિનીની છેડતી

અમદાવાદ શહેરમાં ફરી એકવખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિર્નીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયમાં DEOની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે. વિદ્યાર્થિની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયએ શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટેલિફોનિક ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફરિયાદ બાદ પણ શેઠ સી.એન. પીટીસી કોલેજે અધ્યાપક સામે કાર્યવાહી કરી નહીં

શેઠ સી.એન. વિદ્યાલય પીટીસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અધ્યાપક દ્વારા છેડતી કરવામાં આવી હતી. પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરી હતી. જે બાદ વાલી દ્વારા સંસ્થાને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ શેઠ સી.એન. પીટીસી કોલેજ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. વાલીની ફરિયાદ બાદ પણ અધ્યાપક સામે ચાર દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જેથી વાલીએ કંટાળી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કર્યો હતો. વાલીએ વિદ્યાર્થિનીની છેડતી વિશે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શેઠ સી.એન. તાલીમી વિધાલયને નોટિસ ફટકારી છે. ઘટના બન્યા છતાં ચાર દિવસ સુધી જિલ્લા શિક્ષણાધિકારીને કોઈ જાણ કરવામાં આવી નહોતી.

જેથી સંસ્થાએ ઉદાસીનતા દાખવી હોવાથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગંભીર ઘટના બની છતાં અધ્યાપક સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તેને લઈને પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. તાત્કાલિક અધ્યાપકને સસ્પેન્ડ કરીને ઘટનાનો સમગ્ર રિપોર્ટ આપવા પણ જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે.

‘શેઠ સી. એન. વિદ્યાલયના મેનેજમેન્ટ-પ્રિન્સિપાલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો’

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શેઠ સી.એન. પીટીસી કોલેજના અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ મળી છે. રોહિત ઉપાધ્યાય દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાની વાલીએ અમને ફરિયાદ કરી છે. વાલી દ્વારા અમારી કચેરીનો સંપર્ક કરી ટેલીફોનિક માહિતી આપવામાં આવી હતી. શેઠ સી. એન. વિદ્યાલયના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે સૂચના આપી છે. ઘટના ચારથી પાંચ દિવસ પહેલા બની હતી. આટલા દિવસ થયા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી અધ્યાપક દ્વારા સસ્પેન્ડ કરવાની અથવા નિયમ અનુસાર કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

‘ઘટનાનો રિપોર્ટ માંગ્યો’

આ અંગે વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જે બાદ શેઠ સી.એન. વિદ્યાલય દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે. હવે તપાસના પણ આદેશ આપવામાં આવશે. વાલીએ એવું જણાવ્યું છે કે ઓછામાં ઓછા ૪ દિવસ પહેલા ઘટના બની હતી. સમગ્ર વિગત તપાસ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. પરંતુ અત્યારે સત્વરે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે કરવાની સૂચના આપી છે. જે બાદ તપાસ કમિટીની રચના કરી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી અને વધુ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે: પ્રિન્સિપાલ

આ મામલે શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયના પ્રિન્સિપાલ ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું કે,આજે સવારે વિદ્યાર્થિની પાસેથી લેખિત ફરિયાદ પણ લેવામાં આવી છે. જે બાદ સંસ્થા દ્વારા અધ્યાપકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેમજ વધુ કાર્યવાહી કરવા માટે પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. તેમજ વિશાખા કમિટી બનાવીને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રજા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી નહતી. અધ્યાપક ૨૫ વર્ષથી ફરજ બજાવતા હતા. પરંતુ આ પ્રકારની અગાઉ કોઈ ફરિયાદ મળી નહતી. જાે કે હવે આગામી કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ અને વિશાખા કમિટીની તપાસ બાદ કરવામાં આવશે.