Gujarat

જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ

જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો.

જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢીયા, જીતેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની હાજરીમાં નવકાર મંત્રના પઠન બાદ માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો.

ઠેબાના તળાવમાં સવા કરોડ લિટરથી વધુ વરસાદી જળનો સંગ્રહ થશે. આનાથી ગામના અનેક ખેડૂતો, પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખરને લાભ મળશે.

જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર અને રાવલસર જેવા અનેક ગામોમાં જળ સંચયના કાર્યો હાલ ચાલી રહ્યા છે.