સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા-રમતા ગુમ થઈ ગયેલી 9 વર્ષની બાળકીને પુણા પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ તેના પરિવાર સાથે મેળાપ કરાવાયો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી બાળકીને શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે.
રમતા-રમતા દીકરી ક્યાંક ચાલી જતા પરિવારમાં દોડધામ મચી હતી પુણા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કિરણબેન સોનીની 9 વર્ષની દીકરી ઘરની બહાર રમી રહી હતી. રમતા-રમતા આ માસૂમ બાળકી અચાનક નજર ચૂકવીને ક્યાંક ચાલી ગઈ હતી. મોડી સાંજ સુધી દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે હિંમત હારી ગયેલા માતા-પિતાએ પુણા પોલીસ સ્ટેશન દોડી જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.
પોલીસે વોટ્સએપ ગ્રુપોમાં ફોટા શેર કર્યા અને 40 સીસીટીવી તપાસ્યા બાળકી ગુમ થયાની ગંભીરતાને સમજીને પુણા પોલીસના પીઆઈ વી.એમ. દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. સૌ પ્રથમ બાળકીનો ફોટો અને વિગતો પોલીસના વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરવામાં આવી હતી.
બીજી તરફ, સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી હતી. આશરે 2 કલાકની જહેમત બાદ 40 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસીને પોલીસે બાળકીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને હેમખેમ શોધી કાઢી હતી.

