સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વધતા જતા મચ્છરોના ઉપદ્રવ અને તેને કારણે ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે પાલિકાએ હવે આકાશમાંથી નજર રાખવાનું નક્કી કર્યું છે. સુરત પાલિકા દ્વારા હવે AI અને ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોનો નાશ કરવામાં આવશે.
પ્રોજેક્ટ પાછળ 67 લાખનો ખર્ચ મંજૂર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ખાસ પ્રોજેક્ટ પાછળ અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના તબક્કામાં શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે. અત્યાર સુધી પાલિકાના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને અથવા ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ગીચ વિસ્તારોમાં આ પદ્ધતિની મર્યાદાઓ હતી. હવે ડ્રોન ટેકનોલોજી આ મર્યાદાઓને દૂર કરશે.
AI-ML કેવી રીતે કામ કરશે? આ માત્ર સાદા ડ્રોન નથી, પરંતુ તે Artificial Intelligence અને Machine Learning થી સજ્જ છે. ડ્રોનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા એવા સ્થાનો શોધી કાઢશે, જ્યાં પાણી ભરાયેલું હોય અને મચ્છરોના પોરા હોવાની શક્યતા હોય. મશીન લર્નિંગના ઉપયોગથી ડ્રોન જાતે જ નક્કી કરી શકશે કે કયા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને ક્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની જરૂર છે. આ ટેકનોલોજીની મદદથી ધાબા પર પડેલા ભંગાર, ટાયરો અથવા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં સચોટ રીતે દવાનો છંટકાવ કરી શકાશે, જ્યાં માનવ હસ્તક્ષેપ મુશ્કેલ છે.

