સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન મંડળ દ્વારા નિર્ધારિત 2250 લાખની જોગવાઈ સામે કુલ 2283 લાખના ખર્ચે 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ સામાન્ય, ટી.એ.એસ.પી. અને એસ.સી.એસ.પી. સદર હેઠળના કામોનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લાના 11 તાલુકાઓમાં 20.50 કરોડના ખર્ચે 724 કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓમાં 233 લાખના ખર્ચે 18 વિકાસકામોને બહાલી આપવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની ખાસ યોજના હેઠળ પણ 10 લાખના 2 વિકાસકામો મંજૂર કરાયા છે.
ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને બાળ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ 2 કરોડના ખર્ચે 13 નવી આંગણવાડીઓના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પૂર્વે જળસંચયના તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અત્યંત અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓને પ્રાધાન્ય આપી, વિકાસકામોનું સતત મોનિટરિંગ કરવામાં આવે જેથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચી શકે.

