વેરાવળ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા વેરાવળમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, ‘પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ’ અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યોજાઈ હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસે રહેલા વણવપરાયેલા અથવા વંચાઈ ગયેલા પુસ્તકો એકત્રિત કરવાનો હતો. એકત્રિત થયેલા પુસ્તકોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને, તેને વિતરણ ડ્રાઈવ દ્વારા વાંચન ઈચ્છુક વિદ્યાર્થીઓ, બાળકો અને અન્ય વાચકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને બાળકોમાં વાંચનની આદત વધારવાનો, પુસ્તકોનું મહત્વ જાળવી રાખવાનો અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.

પુસ્તક સંકલન અભિયાન 28 માર્ચ, 2026 સુધી દરરોજ બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન રાજસ્થાન મંડળ, વેલફેર સેન્ટર પાસે, નવદુર્ગા ગરબી મંડળ સામે, વેરાવળ ખાતે રાખવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરના અનેક પુસ્તક પ્રેમીઓએ આ પુસ્તક સેવા યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુસ્તકોનું દાન કરનાર તમામ દાતાઓને સંસ્થા વતી સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

