ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયે તલાટી દફ્તરની તપાસણી અર્થે તાલાલા તાલુકાના મોરુકા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો અને ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

કલેક્ટરે તલાટીને મહેસૂલના નમૂનાઓ, જેમ કે 16 નંબર અને પાણી પત્રક, અદ્યતન રીતે નિભાવવા સૂચના આપી હતી. આનાથી મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જળવાઈ રહેશે. તેમણે આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ટીએચઓ (તાલુકા હેલ્થ ઓફિસર) ને પીએમ-જેએવાય (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) માં ગામના કોઈ લાભાર્થી બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા અને લોકોને જાગૃત કરવા નિર્દેશ આપ્યો હતો.
કેટલાક ખાતેદારોએ પીએમ કિસાન યોજનાના હપ્તા સંબંધિત રજૂઆતો કરી હતી. આ અંગે કલેક્ટરે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) ને આ રજૂઆતોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

ગ્રામજનોએ મોરુકા-સુરવા અને ધાવા-સુરવા ડામર રોડના કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ હાલની ૩.૭૫ મીટરની પહોળાઈ વધારીને 5.5 મીટર કરવા માટે રજૂઆત કરી હતી. આ બાબતે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) ને જરૂરી કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલા કાચા રસ્તાને પાકો બનાવવા માટે સુઓમોટો બે લાખ રૂપિયાની રકમ ફાળવવાની બાંહેધરી આપી હતી, જેથી અલ્પવિકસિત વિસ્તારનો વિકાસ થઈ શકે. આ માટે જરૂરી દરખાસ્ત મોકલી આપવા તાલુકા ઇજનેર, પંચાયત વિભાગને સૂચના આપવામાં આવી હતી.

