Gujarat

અમદાવાદ : ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને

અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે. આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા પર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને ઉત્પરજ કરી હતી અને સ્થાનિકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને લઈને ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું કહ્યું હતું.

પોલીસ કમિશનરે હીરાવાડી સર્કલ પર કર્યું નિરીક્ષણ.

હીરાવાડી જંકશન પર કર્યું નિરીક્ષણ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેટિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંકશન ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા હતા. કટ બંધ કરવાથી કેટલો ફાયદો થાય છે તેને લઈને કમિશનરે ટ્રાફિક ડીસીપી અને પીઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ ચાર રસ્તા ઉપર આવેલા દુકાનદારને પૂછ્યું હતું કે ટ્રાફિક બંધ કરવાના કારણે કેટલી રાહત રહે છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો એ પહેલા ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા.