આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પાંચ વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષ રજૂઆતો છતાં ના કર્યું કામ જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરને કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી સામે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. પરિજનો સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે.
સૈજપુર બોઘા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સાથે સ્થાનિક નાગરિકો કામ બાબતે કરી રહેલી બોલાચાલી અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે તેમના પતિ સુરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી.

