ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પર પાઈપ-લાકડીથી જીવલેણ હુમલો; છેડતીના આક્ષેપ સાથે અડાલજમાં ફરિયાદ
અમદાવાદ શહેરના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં રહેતા નડિયાદ ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરવાના મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા ગજગ્રાહ ચાલતો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં રહેતા ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હીરેનકુમારના પત્ની સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે. સોસાયટીમાં બંગલા નંબર ૩માં રહેતા વસંતીબેન અને તેમનો પરિવાર સોસાયટીના મંજૂર પ્લાન મુજબ પેરાફેટ ન બનાવવા દેતા હોવાથી તેમજ મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા હોવાથી લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો.
યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો
આ બાબતે ચેરમેન તરીકે હીરેનકુમારના પત્નીએ વારંવાર ટકોર કરતા પાડોશી પરિવાર તેમની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વસંતીબેનની દીકરીએ હીરેનકુમારના ઘર સામે આવીને અગાઉના ઝઘડાની અદાવત રાખી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે હીરેનકુમારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલી યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન વસંતીબેન અને તેમનો દીકરો ધ્રુવ પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હીરેનકુમારને માર માર્યો હતો.
યુવકે શોભનાબેન પર હુમલો કરી છેડતી કર્યાનો પણ આક્ષેપ
આ ઝઘડો વધતા હીરેનકુમારના ભત્રીજા જ્યોતિરાદિત્ય અને પાડોશમાં રહેતા શોભનાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રુવ નામના યુવકે શોભનાબેન પર હુમલો કરી તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે.
હુમલાખોરોએ દવા પી ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી
આટલેથી ન અટકતા હુમલાખોર પરિવારે જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વસંતીબેને પોતે દવા પી લઈને સામા પક્ષને ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને પાડોશીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

