સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કિંમતનો સેનેટરીવેરનો તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં ફરી એકવાર થાનગઢ નગરપાલિકાની પ્રી-મોન્સૂન અને ફાયર સેફ્ટીની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. નવાગામ રોડ પર સ્થિત અંકિતા સિરામિકના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
જોકે, થાનગઢ નગરપાલિકાનું ફાયર ફાઈટર સમયસર કામ ન આવતા અંતે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સુરેન્દ્રનગર, ચોટીલા અને છેક રાજકોટથી ફાયર ફાઈટરોની મદદ લેવી પડી હતી. આશરે ૫ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

